પ્રકરણ -૨

પ્રસ્તાવના

!! કેવલમ શાસ્ત્રમાશ્રીત્ય  ન  કર્તવ્યો હિ નિર્ણય:

યુક્તિહીન વિચારે તુ ધર્મહાનિ: પ્રજાયતે  !!

“ કેવળ શાસ્ત્રોના વચન પર આશ્રિત રહી, યુક્તિ વડે વિચારીને (સાચો અર્થ સમજીને) નિર્ણય નથી કરતા તે પ્રજાના ધર્મની હાનિ થાય છે.”

મારા અગાઉ ના પુસ્તક “પુરાણો સમજવાની પૂર્વભૂમિકા” વાંચ્યા પછી ઘણા વાચકોએ ચર્ચા કરી સૂચવ્યું કે બધા ઉપનીષદો અને પુરાણોના સાર રૂપ આપ એવું કંઈક સમજાવો કે જેથી શાસ્ત્રોના તથ્યો સાચી રીતે સમજી શકાય. ધર્મ – સંપ્રદાય સંબંધી જે વાડા છે, જે માર્ગો છે તેમાં  મુખ્ય કોણ છે?  પરમાત્મા કોણ છે? વિષ્ણુ કોણ છે? શિવ કોણ છે? શ્રી કૃષ્ણ કોણ છે? આદ્ય શક્તિ શું છે? પ્રકૃતિ શું છે? માયા શું છે? વગેરે ઘણા સવાલો ને કારણે સમાજમાં જે ભ્રમણાઓ અને માન્યતાઓ છે તેના પર પ્રકાશ પડી શકે અને જેને સત્ય સમજવાની તાલાવેલી છે, તેને સત્ય સમજાય તથા ‘પરમાત્મા’ ની સાચી ઓળખ પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા ધરાવતા થાય.

મેં ઘણા વ્યક્તિઓને મારું સ્પષ્ટ મંતવ્ય સમજાવ્યું કે પુરાણોમાં કોઈ વિવાદ નથી. એમાં તો સર્વ સુંદર સંવાદ છે. જેને સમજવા માટે તેનો ખરો અર્થ જાણવો પડે. પ્રભુના (નારાયણના) મુખેથી ઉચ્ચારાયેલા વેદ ને પ્રશ્ન રૂપે સમજવા માટે ઉપનીષદો ( શ્રુતિ) ની રચના થઇ. જે પણ સામાન્ય માનવી માટે અઘરું હોવાથી  તેના મુખ્ય સિદ્ધાંતો અને તથ્યોને પુરાણોમાં કથા,વાર્તા રૂપે સમજાવવાનો પ્રયત્ન થયો.  જેને સમજતા પહેલા હું કોણ છું ? આ જગત કેવીરીતે ઉત્પન્ન થયું? આનો કરનાર કોણ? આમાં મૂળ કારણ કયું? આ બધા પ્રશ્નો  દરેક વ્યક્તિએ પોતાને પૂછવા  જોઈએ. ગીતાજી ની થોડી પણ સમજણ કેળવી હોય તો પહેલા એ સમજવું જરૂરી છે કે “ જે આ દેહ છે તે હું નથી. હું તો આત્મા છું. જે જીવાત્મા ત્રણ ગુણોથી યુક્ત (સત્વ, રજ, તમો) અને ફળને માટે કર્મ કરનારો છે તે જ કરેલા કર્મોને ભોગવનારો છે. અને આ તમામ જીવોનું સંચાલન પરમાત્મા દ્વારા થાય છે”. બ્રહ્માંડ નું ચોક્કસપણે સંચાલન થવું, પૃથ્વીનું નિયમિત ધરી પર ફરવું, રાત દિવસ ખુબજ ચોક્કસપણે થવા, નિયમિત ઋતુઓ થવી, જમીનમાંથી અનાજ, ફળ-ફૂલ, તેલીબીયા વગેરે ઉગવા વગેરે અસંખ્ય બાબતો આ સૃષ્ટિના સંચાલનમાં આધિપત્ય રહેનાર પરમાત્માને સમજવા માટેની જીજ્ઞાસા ઉત્પન્ન કરે છે.

પરમાત્મા ને સમજવાની તીવ્ર ઈચ્છા અને કોઈ અલોકિક પ્રેરણા મને આ પુસ્તકના સંકલન તરફ લઇ ગઈ. જેના સંકલન માટે મેં ઉપનીષદના તથ્યો, પુરાણો, ગીતા પર લખાયેલ ટીકાઓ, પરમાત્મા પર વિચાર કરાયેલ પુસ્તકો વગેરેનો અભ્યાસ કર્યો. અને અંતે આ પુસ્તકનું  સંકલન કરવાનો પ્રયત્ન કર્યો. હું જિજ્ઞાસુ અને તત્વજ્ઞાન ને ખોળનારો છું. આથી મારા અભ્યાસ દ્વારા મને જે સાચું લાગ્યું તે આ પુસ્તક રૂપે સંકલિત કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પુસ્તકનો અભ્યાસ કરતા પહેલા નીચે દર્શાવેલ મુદ્દાઓ અત્યંત ધ્યાનપૂર્વક વાંચીને એને અનુસરીનેજ આગળ સમજ વધારશો એવી મારી નમ્ર વિનંતી છે.

૧. આ પુસ્તક નો હેતુ કોઈપણ ધર્મ-સંપ્રદાય ના પ્રચાર-પ્રસાર માટે નથી કે કોઈ ધર્મ-સંપ્રદાયની ટીકા માટે નથી. પરંતુ એ દરેકનું તથ્ય ભેગું કરી માત્ર “પરમાત્મા” તરફ આપણું લક્ષ્ય દોરવાનો છે.

૨. તમે જે ધર્મ-સંપ્રદાયમાં છો ત્યાં યોગ્ય જ છો. તમારામાં કોઈ સંપ્રદાય પ્રત્યે આસ્થા છે, એનો અર્થ એજ છે કે તમે શ્રદ્ધાવાન છો. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજી (૪-૩૯) માં કહ્યું છે કે “શ્રદ્ધાવાળો પુરુષ જ્ઞાન પામે છે. અને તે પ્રાપ્ત કર્યા પછી તરતજ પરમ અધ્યાત્મિક શાંતિ પામે છે”

વળી એક સુભાષિત માં પણ કહ્યું છે,

શ્રધ્ધયાબુધ્ધને બુદ્ધિ: શ્રધ્ધયા શુધ્ધ્તે મન: !

શ્રધ્ધયા પ્રાપ્ય્તે બ્રહ્મ શ્રધ્ધા પાપ વિનાશિની !!

અર્થાત “શ્રધ્ધા વડે બુદ્ધિ જાગ્રત થાય છે. શ્રધ્ધા વડે મન પવિત્ર થાય છે અને શ્રધ્ધા વડે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. શ્રધ્ધા પાપનો વિનાશ કરનારી છે.”

        મંદિરમાં જતા પહેલા જેમ મંદિરના દરવાજામાંથી પસાર થવું પડે છે, ટ્રેઈનમાં બેસતા પહેલા પ્લેટફોર્મ પર જવું પડે છે તેમ પરમાત્માની સમજ માટે ધર્મ-સંપ્રદાયની જરૂરિયાત અવશ્ય છે.

૩. માત્ર પરમાત્માંને જ  સમજવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. જેની સ્પષ્ટ સભાનતા પછી જ આ પુસ્તક વાંચવાની શરૂઆત કરવી અને પુસ્તક પૂર્ણ કર્યા સુધી કોઈ ગ્રંથી બાંધવી નહિ.

૪. આ પુસ્તક સેવા રૂપે છે. રજુ કરેલ કોઈ પણ વિચાર પર સંવાદ અવશ્ય કરવો જોઈએ પરંતુ મિથ્યા વિવાદમાં નહિ પડવું જોઈએ. શ્રદ્ધા રાખી રજુ કરેલ વિચાર પર મનન કરવું જોઈએ.

૫. કોઈપણ વિચાર સમજવા માટે વિચારકની અંતઃકરણની વૃત્તિ પારખવાની શક્તિ કેળવવી જરૂરી છે. સાચું શું છે? એ સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.

૬. એ સમજવું ખુબ જરૂરી છે કે આપણે “સર્વ સત્યોનું છેવટનું સત્ય” સમજવાનું છે. લાંબા શુભ ચિંતન પછી જ ચિત્ત શુદ્ધિ થાય છે, અને ચિત્ત શુદ્ધિ થયા પછી જ કંઇક પોતાના પ્રયાસથી અને કંઇક પરમાત્માની કૃપાથી જીવનનું તત્વ સમજાય છે.

 (“પવિત્રતા તો ચિત્ત ની શુદ્ધિ અને વાસનાઓના નાશથી જ થાય છે.“ – મૈત્રયી ઉપનિષદ )

આશા છે કે આ સુલભ પુસ્તક વડે પરમાત્માની સમજ કેળવીને આ ક્ષણભંગુર દેહમાંથી આસ્થા છોડી વેદ, ઉપનિષદ, પુરાણો તથા ગીતાજીમાં દર્શાવેલ માર્ગે પ્રયાણ કરી, સંસારમાં રહીને જ ચિત્ત અને મનને સંકોચીને ફક્ત પરમાત્મામાં મન લગાડી પહેલા આપણે પોતાનું અસલ સ્વરૂપ ઓળખી શકીએ જેમ કે

૧. અહં ભ્રહ્માસ્મી !  (હું બ્રહ્મ છું – યજુર્વેદ), ૨. અયમાત્મા બ્રહ્મ ! (આ આત્મા બ્રહ્મ છે-અથર્વવેદ), ૩.  તત્વમસી ! ( તુ જીવ તે બ્રહ્મ છે- સામવેદ), ૪. પ્રજ્ઞાનમ બ્રહ્મ! (પ્રાણ બ્રહ્મ છે-ઋગ્વેદ).

અને પછી મુક્તિ અને મોક્ષ સુધીની યાત્રા આપણું  જીવન ધ્યેય બની રહે.

નોંધ : અહિ મુક્તિ અને મોક્ષ અલગ શબ્દ રૂપે બતાવ્યા છે. ઘણા વ્યક્તિ મુક્તિ અને મોક્ષ ને એકજ માને  છે. જેમ આગળ વધશું તેમ આ બંને વચ્ચેનો ભેદ ખબર પડશે. ભાગવતમાં મુક્તિ અને મોક્ષ ને નીચે મુજબ સમજાવ્યા છે.

૧. અજ્ઞાન – કલ્પિત કર્તાપણું, ભોક્તાપણું વગેરે અનાત્મભાવ નો પરિત્યાગ કરીને પોતાના વાસ્તવિક સ્વરૂપ માં સ્થિત થવું એ મુક્તિ છે. (ભા: ૨.૧૦.૭)

૨. જીવ જયારે લાકડામાં વ્યાપ્ત અગ્નિની જેમ સમસ્ત પ્રાણી પદાર્થોમાં પરમાત્માંને જ જુએ છે ત્યારે તે અજ્ઞાન રૂપી મળથી મુક્તિ પામે છે.(ભા: ૩.૯.૩૨)

૩. જયારે જીવ પોતાને ભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંત:કરણ થી રહિત તથા સ્વરૂપથી મારાથી અભિન્ન (એકરૂપ) જુએ છે ત્યારે તે મોક્ષ મેળવે છે. (ભા: ૩.૯.૩૩) (ભૂતો,ઇન્દ્રિયો, ગુણો, વગેરે આગળના અધ્યાયમાં સમજશું.)

૪. પરમાત્માના શરણથી જ મોક્ષ છે. (ગીતા-૧૮/૬૨)

૫. આજ ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન છે. આજ મોક્ષ પદ છે. આથી માત્ર પરમાત્માંને જ વશ થવું. (ગીતા-૧૮/૬૩).

પ્રકરણ -૨